અમરેલી જિલ્લામાં નાણા ધિરાણના વ્યવસાય સાથે સંકળાયેલા શાહુકારો માટે તંત્રએ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તપાસની કામગીરી વધુ સઘન બનાવી છે. ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ-2011 હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા કાયદાની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, અમરેલી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન નાણાકીય વર્ષ 2025-26માં વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવી હતી. આ તપાસોના પરિણામે જિલ્લામાં નોંધાયેલા શાહુકારોની સંખ્યામાં આશરે 15નો ઘટાડો નોંધાયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

125 જેટલી તપાસ બાદ શાહુકારોની સંખ્યામાં ઘટાડો

ગુજરાત નાણા ધિરાણ અધિનિયમની કલમ-16(1) હેઠળ વર્ષ 2025-26 દરમિયાન અમરેલી જિલ્લામાં 110 સ્વૈચ્છિક/શંકા તપાસ, 14 દેણદાર તપાસ અને એક છુપા ધિરાણની તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ તપાસની પ્રક્રિયા બાદ જિલ્લામાં શાહુકારોની સંખ્યામાં આશરે 15નો ઘટાડો નોંધાયો છે. તંત્રનો મુખ્ય હેતુ નાણા ધિરાણના વ્યવસાયમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય અને દેણદારોના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

વ્યાજદર માટે પણ કાયદામાં જોગવાઈ

ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ હેઠળ તારણવાળા ધિરાણ માટે વાર્ષિક 12 ટકા, જ્યારે તારણ વિનાના ધિરાણ માટે વાર્ષિક 15 ટકા વ્યાજદરની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત, નાણા ધિરાણ સાથે સંકળાયેલા હિસાબોનું નિયમિત ઓડિટ કરાવવું પણ જરૂરી છે. અધિનિયમની કલમ-23(1) મુજબ નાણાકીય વર્ષ દરમિયાન નાણા ધિરાણના હિસાબનું ઓડિટ કરાવવાની જોગવાઈ છે.

ઓનલાઈન હિસાબ રજૂ નહીં કરનાર શાહુકારો સામે કાર્યવાહી

અધિનિયમની કલમ-21(1) મુજબ શાહુકારોએ ઈ-કોઓપરેટિવ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી માસિક તથા વાર્ષિક હિસાબો અને જરૂરી પત્રકો ઓનલાઈન રજૂ કરવાના રહે છે.

તપાસ દરમિયાન કેટલાક શાહુકારો દ્વારા જરૂરી પત્રકો ઓનલાઈન રજૂ કરવામાં આવતા ન હોવાનું સામે આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર આવી બેદરકારી અધિનિયમની કલમ-44 હેઠળ ઉલ્લંઘન બને છે.

કેટલા ધિરાણ પર કયા પ્રકારનું ઓડિટ?

નાણા ધિરાણના વ્યવસાયના કદ પ્રમાણે ઓડિટ સંબંધિત અલગ જોગવાઈઓ લાગુ પડે છે. વાર્ષિક રૂ. 40 લાખથી વધુ ધિરાણ કરનારા શાહુકારોએ પોતાના ખાતાનું દર વર્ષે વૈધાનિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું રહે છે.

જ્યારે વાર્ષિક રૂ. 50 લાખથી વધુ ધિરાણ કરનારા શાહુકારોએ દર વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે ઓડિટ કરાવવાની જોગવાઈ છે.

31 માર્ચ 2026 સુધીના વર્ષનો ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવાનો રહેશે

તંત્ર દ્વારા 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે જરૂરી ઓડિટ કરાવી તેનો રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શાહુકારોને નિયમ મુજબ ઓડિટ કરાવી રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં બેદરકારી દાખવનારા શાહુકારો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ શાહુકારોના નિબંધક તથા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, અમરેલી દ્વારા જણાવાયું છે.

નિયમોનું પાલન કરવું શાહુકારો માટે ફરજિયાત

અમરેલી જિલ્લામાં નાણા ધિરાણના વ્યવસાય સાથે સંકળાયેલા શાહુકારોએ નોંધણી, હિસાબો, ઓનલાઈન પત્રકો, વ્યાજદર અને ઓડિટ સહિતની તમામ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. તંત્ર દ્વારા નિયમોના પાલન પર સતત નજર રાખવામાં આવી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો