અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 17 કલાકની જહેમત બાદ NDRF અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોર માંથી બહાર કાઢવામાં સફળતા મળી. પરંતુ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ છે.

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં પડેલી બાળકી માટે 17 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. બાળકીને બોર માંથી જીવીત કાઢવા માટે ઓપરેશન ચાલ્યુ હતું. આખરે આરોહીના મૃતદેહને બોર માંથી બહાર લાવવામાં મળી સફળતા પરંતુ બાળકી જીવિત ના રહી શકી. હેલ્થ વિભાગના અધિકારીઓ એ બાળકીની તપાસ બાદ બાળકી ને મૃત જાહેર કરી છે.

અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અમ્લીયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી બપોરે શુક્રવારે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા હતા. પરંતુ 17 કલાકની મહેનત બાદ પણ બાળકીને જીવિત બહાર કાઢવામાં સફળતા નથી મળી.