મેહુલ ત્રિવેદી, અમરેલી / અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ફરી વેગ મળ્યો છે. ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી તેમજ વિસાવદર-ધારી-ચલાલાના જાગૃત નાગરિકો દ્વારા આ મુદ્દે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત વિસાવદર ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં વિસાવદર રેલવે સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.
લાંબા સમયથી ઉઠી રહી છે બ્રોડગેજની માંગ
ધારી પત્રકાર સંઘ દ્વારા ‘મિશન બ્રોડગેજ’ અંતર્ગત અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. સંઘનું માનવું છે કે આ રેલવે સુવિધા શરૂ થાય તો અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર સહિત આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકોને તેનો સીધો લાભ મળી શકે છે.
શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ વચ્ચે રહેલા પત્રકાર મિત્રો હવે ફરી આ માંગને લઈને સક્રિય થયા છે. શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ વિસાવદર, ધારી અને ચલાલા વિસ્તારમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજીને લોકો સુધી આ મુદ્દો પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દિલ્હી સુધી રજૂઆત કરવાની પણ તૈયારી
બ્રોડગેજની માંગને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રૂબરૂ લેખિત તથા મૌખિક રજૂઆત કરવા માટે અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જેવી કાકડીયા સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવાયું છે.
જરૂરી સમય અને મંજૂરી મળ્યા બાદ પ્રતિનિધિમંડળ દ્વારા દિલ્હી જઈને આ મુદ્દે રજૂઆત કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
2027ની ચૂંટણી પહેલા ઉકેલની માંગ
અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની માંગ માત્ર રેલવે સુવિધા પૂરતી સીમિત ન રહેતાં આગામી સમયમાં મોટો જાહેર મુદ્દો બની શકે છે. લાંબા સમયથી લોકો આ સુવિધાની રાહ જોઈ રહ્યા હોવાથી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ માંગનો ઉકેલ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધારી પત્રકાર સંઘ અને અમરેલી બ્રોડગેજ કમિટી દ્વારા આ સમગ્ર અભિયાનને બિનરાજકીય રીતે આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બ્રોડગેજનો મુદ્દો વિવિધ રાજકીય પક્ષો માટે મહત્વનો બની શકે છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ રેલવે કનેક્ટિવિટીની માંગ
અમરેલીથી વિસાવદર ઉપરાંત વિસાવદર-જુનાગઢ, વિસાવદર-સોમનાથ અને તાલાલા-દીવ સહિતના રૂટ પર રેલવે સુવિધાના વિકાસની માંગ પણ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.
એક તરફ દેશમાં નવી અને ઝડપી ટ્રેનોનો વિસ્તાર થઈ રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બ્રોડગેજ કનેક્ટિવિટીની માંગ હજુ પણ યથાવત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રેલવે કનેક્ટિવિટી મજબૂત બને તો પ્રવાસન, વેપાર, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી શકે છે.
હવે ધારી પત્રકાર સંઘ દ્વારા વિસાવદર ખાતે યોજાનારા જનજાગૃતિ કાર્યક્રમ અને રેલવે સ્ટેશન પર અપાનારા આવેદનપત્ર બાદ આ લાંબા સમયથી ચાલી રહેલી માંગને લઈને સરકાર તરફથી શું પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







