અત્યાર સુધી રાજ્યમાં બિલ્ડિંગો પડતી હતી કે આગ લાગતી હતી અને દૂર્ઘટનાઓ સર્જાતી હતી પણ હવે તો શાળાના સ્લેબ પણ ધરાશાયી થઈ જાય છે. વાલીઓ તમે તમારા બાળકોને જો શાળાએ મોકલતા હોય તો બિલ્ડિંગની પૂર્ણ ચકાસણી કરવાની જવાબદારી પણ હવે તમારી જ રહેશે કેમ કે શાળાનો રુમનો સ્લેબ ગમે ત્યારે પડી શકે છે. વડોદરાની એક શાળામાં વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હતા એ દરમિયાન પહેલા માળનો એકભાગ ધરાશાયી થયો અને બાળકો નીચે પડ્યા. ખુબ જ ચોંકાવનારા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા.

વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી ચાલુ ક્લાસરૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે. જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર બાદ વાલીઓ ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં કપૂરાઈ પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે બપોરે નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ચાલુ ક્લાસે જ ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થઈ હતી અને તેની સાથે જ 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જો કે, આ મામલે શાળા સંચાલકોએ આ દુર્ઘટનાની હકિકત છૂપાવી અને રિસેસ સમયે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. જો કે, CCTVએ નારાયણ વિદ્યાલયના સંચાલકોનાં જૂઠાણાંની પોલ ખોલી નાંખી.

આ દીવાલ ધરાશાયી થઈ છે તેની હાઈટ અંદાજિત 20 ફૂટ જેટલી ઉપર છે, પરંતુ બાળકો ફર્સ્ટ ફ્લોર એટલે કે કોન્ફરન્સ હોલની ઉપર બેઠા હતા અને પાછળના ભાગે શેડ હતો. દીવાલ ધરાશાયી થયા બાદ બાળકો નીચે પટકાતા શેડ હોવાથી આબાદ બચાવ થયો છે. આ બાળકો 10 ફૂટની ઊંચાઈથી પટકાયા હોવા છતાં માત્ર એક જ બાળકને ઈજા પહોંચી હતી.સૌથી મહત્વની વાત એ છે કે,શાળા સંચાલકોએ માહિતી છુપાવી અને એક જ બાળક ઈજાગ્રસ્ત થયો હોવાનું કહ્યું હતું. વાલીઓ માટે આ વિચારવા જેવી વાત છે ન કરે નારાયણ અને આનાથી કોઈ મોટી દૂર્ઘટના બને તો શાળાએ માહિતી બિલકુલ છુપાવવી ન જોઈએ.જ્યાંથી સત્ય બોલવાના પાઠ બાળકોને શીખવવામાં આવે છે એ સત્યના ધામમાંથી જ ખોટુ બોલવામાં આવે એ આશ્ચર્યજનક વાત કહી શકાય.