આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થવાના મુદ્દે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા સામેના કેસો રાજકીય રીતે ઉભા કરવામાં આવ્યા છે અને આદિવાસી સમાજમાંથી મજબૂત નેતા ઉભો ન થાય તે માટે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે સરકાર તરફથી કોર્ટમાં એવી દલીલો કરવામાં આવી હતી કે ચૈતર વસાવા સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. જોકે, તેમના મતે ચૈતર વસાવાનો કોઈ ગુનો નથી અને તેમની સામેના કેટલાક કેસોમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
‘ગ્લાસનો કેસ પણ ઉપજાવી કાઢવામાં આવ્યો’
ચૈતર વસાવા સાથે જોડાયેલા ગ્લાસ કાંડનો ઉલ્લેખ કરતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે આ સમગ્ર મુદ્દો ઉપજાવી કાઢવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ચૈતર વસાવા ગુજરાતના નાગરિકોના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.
વન કર્મચારી સાથે જોડાયેલા કેસ અંગે પણ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાનો બચાવ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે ખેડૂતોનો ઊભો પાક કાપી નાખવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
‘ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે’
ઈસુદાન ગઢવીએ ભાજપ પર આદિવાસી વિરોધી માનસિકતા હોવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજ જાગૃત બને કે આદિવાસી સમાજમાંથી કોઈ મજબૂત નેતા આગળ આવે. તેમણે વધુમાં કહ્યું કે ચૈતર વસાવાએ સમાજ માટે લડવાનું પસંદ કર્યું છે અને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું નથી. તેમના મતે, આ જ કારણસર ચૈતર વસાવાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
‘ચૈતરભાઈએ કોઈ બુટલેગરી કે હત્યા કરી નથી’
ચૈતર વસાવાનો બચાવ કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચૈતર વસાવાએ કોઈની હત્યા કે ચોરી કરી નથી અને તેઓ કોઈ બુટલેગરી કરતા નથી. તેમણે દાવો કર્યો કે ચૈતર વસાવા માત્ર આદિવાસી સમાજના હક-અધિકાર અને ગુજરાતની જનતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
ફેક્ટરીમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે શ્રમિકો અને મજૂરોના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. AAP પ્રદેશ પ્રમુખે સવાલ ઉઠાવ્યો કે આવા મુદ્દા ઉઠાવવાને ગુનો કેવી રીતે ગણાવી શકાય?
‘2027માં આદિવાસી સમાજ ભાજપને જવાબ આપશે’
ઈસુદાન ગઢવીએ રાજકીય સંકેત આપતા કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ સમગ્ર ઘટનાક્રમ જોઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે આગામી 2027ની ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપને તેનો જવાબ આપશે.
તેમણે કહ્યું કે આદિવાસી સમાજ જોઈ રહ્યો છે કે ચૈતર વસાવા સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં તેનો રાજકીય પ્રતિસાદ જોવા મળશે.
‘ઉપલી અદાલતમાં અપીલ કરીશું’
ચૈતર વસાવાના જામીન નામંજૂર થવાના કોર્ટના નિર્ણય અંગે ઈસુદાન ગઢવીએ કહ્યું કે AAP આ નિર્ણય સામે ઉપલી અદાલતનો દરવાજો ખખડાવશે. તેમણે જણાવ્યું કે આ મામલે પોતાની કાનૂની ટીમ સાથે વાતચીત થઈ ચૂકી છે અને આગામી સમયમાં હાઈકોર્ટ અથવા જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઈસુદાન ગઢવીએ અંતે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાંથી સારો નિર્ણય આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







