ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે.
આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે, 2023 કરતા આ વર્ષે 17.94 ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી. જ્યારે આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 પહોંચી છે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે.રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 21869 છે. બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 32971 છે અને ત્રણ વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 21854 છે. ધોરણ 10માં સૌથી વધુ પરિણામ સ્ટાન્ડર્ડ મેથ્સ (99.45%) વિષયમાં આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ બેઝિક મેથ્સ (83.40%) વિષયમાં આવ્યું છે. બેઝિક મેથ્સમાં સૌથી વધુ 2802 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે.







