રાજકોટ: ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડને લઈને રાજકોટમાં પણ રાજકીય વિરોધ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ખુલ્લેઆમ દારૂના વેચાણના આક્ષેપો અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
લઠ્ઠાકાંડની ઘટના બાદ કોંગ્રેસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ ઉઠાવી છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવતા “હર્ષ સંઘવી રાજીનામું આપો” અને “ભાજપ હાય હાય” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજકોટ શહેરમાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
“શું રાજકોટ પોલીસ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે?”
રાજકોટ કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, “શું રાજકોટ પોલીસ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે?” કોંગ્રેસનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કાર્યવાહી થવી જરૂરી છે.
કોંગ્રેસે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, જો પોલીસને જરૂર જણાય તો શહેરમાં દારૂના વેચાણના સ્થળોની માહિતી અથવા યાદી આપવા માટે પક્ષ તરફથી સહયોગ કરવામાં આવશે. કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગેરકાયદેસર દારૂના વેપાર સામે અસરકારક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ભાવનગરની ઘટનાને પગલે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાથી ફરી એકવાર શહેરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને પોલીસની કામગીરી અંગે રાજકીય ચર્ચા શરૂ થઈ છે.







