આજથી બે વર્ષ પહેલા ગીરસોમનાથ જિલ્લાના કોડીનારમાં એક નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. આ આરોપીને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. બાળકીના પરિવારજનોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલી બાંહેધરી અને વચન આજે પૂર્ણ થયું છે.
આજથી દોઢ બે વર્ષ પહેલાં કોડીનારના એક ગામે નરાધમે નાની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો. 30 જ દિવસમાં આ ઘટનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે કેસ કોર્ટમાં ચાલી જતા સાહેદો, મેડિકલ, વકીલની ધારદાર દલીલોને ઘ્યાને રાખી કોડીનાર કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે તા.૧૨મી જૂન ૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર એક નરાધમને ફાંસીની સજા થઈ છે.આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવી છે. એટલું જ નહિ, બાળકીના પરિવારને ૧૭ લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.
શું હતી સમગ્ર ઘટના ?
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહેતો હતો અને પત્ની મજૂરી કામ કરતી હતી. પરિવારની આઠ વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા માટે મોકલી હતી. રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે. આથી શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મંગાવ્યા હતા. બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી. શામજીએ વખતે પોતાના ઘરમાં એકલો જ હતો. 8 વર્ષની માસુમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેણે બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં કોઈને જાણ ન થાય એ માટે તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડી 66 કેવી સામે પાળાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. પછી પોતે ઘેર જઇને નિરાંતે સુઇ ગયો હતો. બીજી તરફ બાળકીની માતા રામરોટી લઈ ઘેર આવ્યા. પણ પુત્રીને ન જોતાં તેમણે પાડોશીને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને સેવ લેવા મોકલી હતી પણ તે હજુ સુધી આવી નથી. આથી શોધખોળ શરૂ થતાં થોડીવારમાં જ ખબર પડી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે પડી છે.જાણવા મળ્યા મુજબ, નરાધમ શામજી માચ્છીમારીનો વ્યવસાય કરતો હતો. તે બે સંતાનોનો પિતા છે. પણ દારૂ પી ઘરમાં ધમાલ કરતો હોવાથી તેની પત્ની રિસામણે હતી. બનાવ અંગે ગામ લોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપી ઓમપ્રકાશ જાટ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો.
ગ્રામ પંચાયતો સરપંચોએ આ મામલે ફાંસીની કરી હતી માંગ
કોડીનારમાં બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચોએ ઘટના બાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપી નરાધમને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઇ હતી. તો પરિવારે પણ ફાંસીની માંગ કરી હતી.
મોરારિબાપુએ મૃતક બાળકીને આપી હતી શ્રદ્ધાંજલી
કોડીનાર તાલુકાના જંત્રાખડીની ઘટના સંદર્ભે કથાકાર મોરારિબાપુએ પણ જંત્રાખડી ગામે જઈને પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. આ સાથે પીડિત પરિવારને એક લાખ રૂપિયા સહાય અર્પણ કરી માસુમ બાળાના ફોટાને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બાદમાં બાળાની સમાધિના દર્શન કરીને પરિક્રમા કરી હતી. બાપુએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને આરોપીને સત્વરે કાયદાની જોગવાઇ અનુસાર કડક સજા મળે તેવું માંગ કરી હતી.








