જસદણ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિના આઠ વાગ્યાથી સવાર સુધી ખેડૂતો ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહી આખી રાત ઉજાગરો કરી રહ્યા છે. ભારે મુશ્કેલી વચ્ચે ખેડૂતોને અંતે માત્ર ₹1,000નું જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.

ઉનાળુ પાકની સિઝનમાં જે ખેડૂતોની વાડીમાં પાણી ઉપલબ્ધ છે, તેઓ પાકને જીવંત રાખવા માટે નિયમિત પિયત કરે છે. આ પિયત માટે ડીઝલ અત્યંત જરૂરી હોય છે. સમયસર પાણી ન મળે તો વાવેલો પાક સુકાઈ જવાનો ભય રહે છે અને ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે. હાલની સ્થિતિએ જાણે ડીઝલનો દુકાળ પડ્યો હોય તેમ ખેડૂતો પડા-પડી કરી રહ્યા છે.

આટકોટ રોડ પર ખેડૂતોની ભારે ભીડ
જસદણના આટકોટ રોડ પર આવેલા પેટ્રોલ પંપે મોટી સંખ્યામાં ખેડૂતો ગામડાંમાંથી પોતાના ટ્રેક્ટર અને વાહનો લઈને પહોંચ્યા છે. સવાર સુધી ડીઝલ મળશે કે નહીં તેની અનિશ્ચિતતા હોવા છતાં આશા રાખીને ખેડૂતો રાતભર રાહ જુએ છે. પરંતુ અંતે તેમને માત્ર ₹1,000નું ડીઝલ જ મળતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

15–20 કિમી દૂરથી આવતાં ખેડૂતો
જસદણ તાલુકાના અનેક ગામડાંઓમાંથી ખેડૂતો 15થી 20 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા આવે છે. આવી અવરજવરમાં જ આશરે ₹500 જેટલું ડીઝલ ખર્ચાઈ જાય છે, પરિણામે ખેડૂતોને મળતું ડીઝલ પૂરતું પડતું નથી અને ખર્ચ વધે છે.

સરકારને ખેડૂતોની માંગ

ડીઝલની અછતથી પરેશાન થયેલા ખેડૂતો ગુજરાત સરકાર તથા  ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે પ્રતિ ખેડૂત 50 લિટર સુધી ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવે. જો આ રીતે વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોને સરળતા રહેશે અને ડીઝલની અછતને કારણે પિયત ન થવાની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવી શકે તેમ ખેડૂતોનું કહેવું છે.