રાજ્યમાં વરસાડી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 217 તાલુકામા વરસાદ વરસયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વંથલી તાલુકામાં વરસ્યો છે. વંથલીમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં સિઝનનો 28 ટકા વરસાદ વરસયો છે.
ગુજરાતમાં ગઈકાલ સોમવાર સવારના 6થી આજે મંગળવાર સવારના 6 સુધીના છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 14.5 ઈંચ જટલો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પગલે, ગુજરાત રાજ્યનો વર્તમાન ચોમાસાનો સરેરાશ વરસાદ 17.85 ટકા થયો છે. જો ગુજરાતના અલગ અલગ વિસ્તાર મુજબ જોવામાં આવે તો, કચ્છ વિસ્તારમાં ચોમાસામાં વરસતા કુલ વરસાદના 25 ટકા, ઉત્તર ગુજરાતમા 7 ટકા, મધ્ય ગુજરાતમાં 11 ટકા, સૌરાષ્ટ્રમાં 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 19 ટકા વરસાદ વરસ્યો છે.
યાત્રાધામ દ્વારકામાં રાત્રે સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. દોઢ કલાકમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકાના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ પડતાં બિરલા કોલોનીમાં વૃક્ષ ધરાશયી થયું છે. તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાયા છે. અંદાજે 25 રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.







