ગઢડા: વિધાનસભાની ચૂંટણી  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતના રાજકારણનો માહોલ સતત ગરમાતો રહે છે. ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે મતોનું વિભાજન કરવા અને સત્તાની આશા લઈ આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે. ત્યારે ગુજરાતના રાજકારણમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આ ઉતાર ચડાવ વચ્ચે બોટાદ જિલ્લાની ગઢડા બેઠકનું ગણિત કોને સત્તા સ્થાને બેસાડશે અને કોને કહેશે ટ્રાય અગેઇન.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી બોટાદ જિલ્લામાં 2 વિધાનસભાની બેઠકો આવેલી છે આ બેઠકમાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી અને ભાજપ પાસે બંને બેઠકો છે. બોટાદ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2012 બાદ 106 બેઠક ક્રમાંકથી આ બેઠક ઓળખાય છે. વર્ષ 1967/ 72માં 48 બેઠક ક્રમાંક અને ત્યારબાદ 50 બેઠક ક્રમાંક હતો. આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઈ છે. એક વખત પેટા ચૂંટણી યોજાઈ છે. 5 વખત કોંગ્રેસ આ ચૂંટણી જીતી છે જયારે 6 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થાય છે. આ ઉપરાંત સ્વતંત્ર પક્ષ અને કોંગ્રેસ (આઈ) એક-એક વખત ચૂંટણી જીત્યા છે.

2017નું સમીકરણ
ગઢડા બેઠક પર કુલ 2,61,679 મતદારો છે. જેમાંથી 1,35,611 પુરુષ મતદારો છે જયારે 1,26,067 સ્ત્રી મતદારો છે અને અન્ય એક મતદાર છે. ગઢડા બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ વિધાનસભામાં ગઢડા, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે.  2017માં આ બેઠક પર કુલ 56.20% મતદાન થયું હતું. ભાજપે આ બેઠક માટે આત્મારામ પરમારને મેદાને ઉતાર્યા હતા અને કોંગ્રેસે પ્રવીણ મારુને મેદાને ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ મતદાનના 43.80% એટલેકે 60,033 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 50.67% એટલેકે 69,457 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ બાજી મારી હતી.

પ્રવીણ મારૂએ પક્ષપલટો કર્યો અને કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવાઇ છે.  વર્ષ 2022માં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો અને કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેમાં કોંગ્રેસમાંથી ગઢડા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુએ પણ રાજીનામુ આપી દીધું હતું. જોકે તે કોઈ પક્ષ સાથે ન જોડાયા અને ભાજપે આ બેઠક પર આત્મારામ પરમારને મેદાને ઉતાર્યા. આત્મારામ પરમારની જીત થઇ હતી.  પ્રવીણ મારુએ વર્ષ 2022માં ભાજપનો ખેસ ધારણ કર્યો અને કહ્યું કે મને સી.એમ. બનાવે તો પણ કોઈ વાંધો નથી. આમ આ બેઠક પર ભાજપ આત્મારામ પરમારને રિપીટ કરશે કે પ્રવીણ મારુને આપશે તક.