ચોમાસા દરમિયાન મોસમી રોગચાળા પર નિયંત્રણ મેળવ્યા બાદ ગુજરાતનું આરોગ્ય તંત્ર હવે સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામે પણ આગોતરી તૈયારી કરી રહ્યું છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં ચોમાસા દરમિયાન થયેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા ઉપરાંત H1N1 સામે હોસ્પિટલ સ્તરે કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
‘હાલ રાજ્યમાં H1N1ની સ્થિતિ સામાન્ય’
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ H1N1નો કોઈ ગંભીર પ્રકોપ જોવા મળ્યો નથી. રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવતાં તેમણે લોકોને ગભરાવાની જરૂર નહીં હોવાનું કહ્યું હતું.
મંત્રીના જણાવ્યા મુજબ દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં સીઝનલ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે. આ બંને શહેરોમાંથી હવાઈ, રેલવે અને માર્ગ પરિવહન મારફતે ગુજરાતમાં લોકોનું સતત આવાગમન થતું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
2019ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટિંગ અને સારવાર
H1N1ના સંભવિત કેસોને લઈને રાજ્યની તમામ હોસ્પિટલોમાં વર્ષ 2019માં નક્કી કરાયેલી ગાઇડલાઇન મુજબ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયામાં માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીએ આદેશ આપ્યો હતો. સાથે જ ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા તબીબો તથા નર્સિંગ સ્ટાફને પણ H1N1 અંગે જરૂરી માર્ગદર્શન આપવાનું કહેવામાં આવ્યું છે.
દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર તૈયાર રાખવા આદેશ
H1N1 સામેની આગોતરી સજ્જતાના ભાગરૂપે તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા તથા વેન્ટિલેટર જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પણ પૂરતી સંખ્યામાં અને કાર્યરત સ્થિતિમાં રાખવા મેડિકલ અધિકારીઓને જણાવાયું છે. ગંભીર દર્દીઓને સારવાર દરમિયાન કોઈ અડચણ ન પડે તે માટે હોસ્પિટલ સ્તરે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં સ્ટાફ અને ટેકનિકલ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલોમાં ટેકનિકલ અથવા સ્ટાફને લગતી કોઈ સમસ્યા હોય તો તેને આંતરિક સ્તરે ઝડપથી ઉકેલવા પણ સૂચના આપી હતી. કોઈપણ વહીવટી અથવા ટેકનિકલ મુશ્કેલીના કારણે દર્દીઓને મળતી સારવારમાં વિક્ષેપ ન પડે તે બાબતને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવાયું છે.
ચોમાસાના રોગચાળા પર નિયંત્રણ બદલ આરોગ્ય તંત્રની પ્રશંસા
બેઠક દરમિયાન પ્રફુલ પાનશેરીયાએ ચોમાસા દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્રો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો તેમજ સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર મળી રહી છે. આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓની કામગીરીને કારણે મોસમી રોગચાળા સામે નિયંત્રણ જાળવી શકાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
હોસ્પિટલની સ્વચ્છતા પર પણ ભાર
H1N1 સહિતના ચેપી અને મોસમી રોગોના નિયંત્રણ માટે હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવી પણ મહત્વપૂર્ણ હોવાથી આરોગ્ય મંત્રીએ સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના નિર્દેશ આપ્યા હતા.
હાલ રાજ્યમાં H1N1ની સ્થિતિ સામાન્ય હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે. તેમ છતાં સંભવિત કેસો સામે ઝડપથી પ્રતિસાદ આપી શકાય તે માટે રાજ્યની હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, સાધનો અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







