મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ‘વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના મંત્ર સાથે પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મેળવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એપ્રિલ-2025થી ડિસેમ્બર-2025ના 9 મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતે આશરે રૂ. 44,041.7 કરોડ જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી છે. આ આંકડાઓ પરથી ચોક્કસપણે કહી શકાય કે, ગુજરાત દેશના ટોપ-3 રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખીને વિદેશી રોકાણકારો માટે સુરક્ષિત અને પ્રગતિશીલ ગંતવ્ય સાબિત થયું છે.
52 % હિસ્સો એકલા અમદાવાદનો
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં આવેલા FDIમાં અડધાથી વધુ એટલે કે, 52 ટકા જેટલો હિસ્સો એકલા અમદાવાદ જિલ્લાનો છે. ગુજરાતે માત્ર ઓક્ટોબર-2025થી ડિસેમ્બર-2025સુધીના ત્રણ મહિનામાં જ રૂ. 24,716 કરોડનું રોકાણ પ્રાપ્ત કર્યું છે. જેમાં, સૌથી વધુ અમદાવાદમાં રૂ. 23,699 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે, જે દર્શાવે છે કે અમદાવાદ વૈશ્વિક કક્ષાના બિઝનેસ સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે.
25 વર્ષ દરમિયાન ગુજરાતે રૂ. 3,91,613 કરોડ વિદેશી રોકાણ મેળવ્યું
બીજા ક્રમે ગાંધીનગરમાં રૂ. 590 કરોડ મૂડીરોકાણ આવ્યું છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી રાજ્યમાં વિદેશી રોકાણ લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દીપક તરીકે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અને નવસારી સહિતના જિલ્લાઓ પણ વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2000 થી ડિસેમ્બર-2025 સુધીના 25 વર્ષ દરમિયાન ગુજરાતે રૂ. 3,91,613 કરોડ વિદેશી રોકાણ મેળવ્યું છે, જે દેશમાં આવેલા કુલ વિદેશી રોકાણના 15 ટકાથી પણ વધુ થાય છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગિફ્ટ સિટી અને ધોલેરા સર જેવા પ્રોજેક્ટ્સને કારણે આગામી વર્ષોમાં આ રોકાણ હજુ પણ વધવાની પ્રબળ શક્યતા છે.
રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ખાસ કરીને સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર્સ, ફાર્મા અને સંરક્ષણ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવ્યો છે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ ગુજરાતની ‘પ્રો-એક્ટિવ’ સરકારી નીતિઓની પ્રશંસા કરી રહ્યા છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને કારણે પરંપરાગત ક્ષેત્રોની સાથે સનરાઇઝ સેક્ટર્સમાં પણ મોટી તકો ઊભી થઈ છે.ગુજરાત સરકાર આ ગતિને જાળવી રાખવા અને આગામી સમયમાં FDIના ક્ષેત્રે પ્રથમ ક્રમ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. રાજ્યમાં રોકાણ માટેનું સાનુકૂળ વાતાવરણ અને નવી ઉદ્યોગ નીતિઓ આગામી દિવસોમાં વધુ રોજગારીની તકો ઉભી કરશે અને રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







