મેહુલ ત્રિવેદી, અમરેલી: સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે પિતા અને પાંચ વર્ષની પુત્રીના મોતની કરુણ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ પિતાનું મોત આત્મહત્યાના બનાવ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાંચ વર્ષની પુત્રીના મોત અંગે પણ ગંભીર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
પિતાએ માસૂમ દીકરીને ફૂલથી શણગારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહને ફ્રિજમાં મૂકી પોતે પણ ગળેફાંસો ખાધો હતો. આ ચોંકાવનારા બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચકચાર મચી ગઈ છે.
આર્થિક સંકડામણની દિશામાં તપાસ
પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનાને આર્થિક સંકડામણ સાથે જોડવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી મળેલી કથિત સુસાઇડ નોટ સહિતના મુદ્દાઓની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
પરિવારજનોની હાજરી અંગે પણ તપાસ
મળતી માહિતી મુજબ ઘટના સમયે મૃતકની પત્ની ધાર્મિક વિધિ માટે બહારગામ ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિવારજનો તથા આસપાસના લોકો પાસેથી પણ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તેમજ મામલતદાર સહિતનો તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બંને મૃતદેહોને કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
હાલ આ બનાવને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







