દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એક વર્ગ એવો છે કે જે ઉનાળાની શરુઆત પહેલા જ કેરીની રાહ જોતો હોય છે. આપણે ત્યાં અલગ-અલગ પ્રકારની કેરીઓની જાત જોવા મળે છે. લંગડો, કેસર, બદામ, હાફુસ, રાજાપુરી, રત્નાગીરી સહિત 105 જાતની કેરીઓ આપણે ત્યાં પાકે છે. પણ માર્કેટમાં એક એવી કેરીની ચર્ચાઓ જોરશોરથી શરુ થઈ છે જેનો ભાવ સાંભળીને તમને એમ થશે કે આને મ્યુઝિયમમાં મુકેલી છે કે શું?પણ ના હોં, આ કેરી તો ખાવા માટે જ છે. રાજકોટમાં મૂળ જાપાની પ્રકૃતિની મિયાજાકી કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેની કિંમત 2.70 લાખ રુપિયા છે.

જાપાનના મિયાજાકી શહેરમાં ઉગે એ પ્રજાતિની કેરી આપણે ત્યાં ગુજરાતના રાજકોટમાં એક ખેડૂતે ઉગાડી છે. એટલે આપણા શહેરમાં તેને મિયાજાકી કેરી નામ આપવામાં આવ્યું છે. આ મિયાજાકી કેરીનું વાવેતર રાજકોટમાં જે જગ્યા પર કરવામાં આવ્યું છે ત્યાંના આંબાની સુરક્ષા માટે તો ખેડૂતને માણસો રાખવા પડે છે. કારણ કે આ કેરીની માર્કેટમાં કિંમત 2.70 લાખ રુપિયા છે. ગુણવત્તાની દ્રષ્ટિએ આ કેરી સૌથી ઉત્તમ હોવાથી કિંમત વધારે હોવાની માહિતી મળી છે.

રાજકોટના નંદુબાગ વિસ્તારમાં આ બેશકિંમતી મિયાજાકી કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કેરીનું વાવેતર કરનાર જયસુખભાઈ રાદડિયાનું કહેવું છે કે, તેઓ આ જાતના આંબાનો છોડ સાઉથની એક નર્સરીમાંથી લાવ્યા હતા. એ સમયે 10 રોપ 4500 રુપિયાના આવ્યા હતા. અને એ સાઉથની નર્સરીવાળા આ છોડ જાપાનથી લાવ્યા હતા. તો ભઈ જાપાની મિયાજાકી કેરી ખાવી હોય તો 2.70 લાખ રુપિયા આપવા પડે. પણ ઘણાને એમ થતું હશે કે આટલી મોંઘી કેરી આપણે ક્યાંથી લઈ શકીએ તો મિત્રો લો નહીં તો કંઈ નહીં પણ જો જોવાની ઈચ્છા હોય તો રાજકોટના નંદુબાગની મુલાકાત તમે લઈ શકો છો. નંદુબાગમાં 150થી વધારે પ્રકારના ફળનું વાવેતર કરવામાં આવ્યું છે.

મિયાજાકી કેરી વિશે વાત કરીએ તો આ કેરીના રોપ ખેડૂત જયસુખભાઈએ 3 વર્ષ પહેલા વાવ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ આંબા કેરી આપે છે. મિયાજાકી કેરીનું હાર્વેસ્ટિંગ મે મહિનાના અંતમાં થાય છે, આ કેરી કાચી હોય ત્યારે પણ એટલી મિઠી હોય અને પાકે પછી પણ એટલી મિઠી હોય છે. સામાન્ય કેરી કરતા અલગ હોય છે કેમ કે કેરી પાકે પછી પીળી થવાના બદલે ટામેટા કલરની થાય છે. સ્વાસ્થ્યની અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ કેરીને ઉત્તમ માનવામાં આવે છે. અને સાંભળો આ કેરીનું વજન 300થી 500 ગ્રામ જેટલું હોય છે. આ પ્રકારની કેરીનો પાક જો તમારે લેવો હોય તો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે. ગરમ હવામાન અને જરુરુ સૂર્યપ્રકાશ, પૂરતો વરસાદ આ પ્રકારની કેરીની જાત માટે અનુકૂળ હોય છે. અને એટલે જ મિયાજાકી કેરી વિશ્વમાં વેચાતી કેરીઓમાં સૌથી મોંઘી હોય છે.