ઉત્તર ગુજરાતમાં વરસાદ માટે લોકો હજુ રાહ જોઈ રહ્યાં છે પણ સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે દામોદરકુંડમાં પૂર આવ્યું હતું. જ્યારે ધોધમાર વરસાદના કારણે દ્વારકાનગરી ડુબી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો ખતરો યથાવત છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.







