બગસરા, રૂપેશ રૂપારેલિયા/બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવેલી હતી. જેમાં પક્ષા – પક્ષીથી દૂર રહી તમામ ડિરેક્ટર દ્વારા બંને પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વિગત અનુસાર બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટર ના અધ્યક્ષ સ્થાને ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના વ્યક્તિને પદ પર બેસાડવા તમામ પ્રયત્નો કરી લેવામાં આવ્યા હતા. પરંતુ આજે અન્ય સહકારી ક્ષેત્રની ચૂંટણીઓની જેમ જ બગસરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ કોઈપણ પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર ના નામે વ્હિપ આપવામાં આવેલ ન હતો. જેથી આજે યોજાયેલ ચૂંટણીમાં ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા બંને પદ બિનહરીફ વરણી કરવા માટે એક મત થયા હતા.

જેને પગલે કાંતિભાઈ સતાસિયા ની ચેરમેન તરીકે તેમજ સંજયભાઈ રફાળીયા ની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની હતી કે આરોપી તરીકે જેલમાં રહેલા કાંતિભાઈ સતાસિયા પેરોલ મેળવી ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિરેક્ટરો દ્વારા તેમના પર વિશ્વાસ મૂકી તેમને જ આગામી ટર્મ માટે ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા દ્વારા તમામ ડિરેક્ટર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને સ્વીકાર્યો હતો તેમજ સહકારી ક્ષેત્રને ચૂંટણીથી દૂર રાખવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.