જયેશ રાદડિયાએ નરેશ પટેલને આપ્યો વળતો જવાબ, કહ્યું- સમય આવશે ત્યારે હું જવાબ આપીશ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદથી જયેશ રાદડિયા સતત ચર્ચામાં છે ઇફકોની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલના નિવેદનો ચર્ચામાં છે. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યુ છે. ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ.

નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો છે. આ દરમિયાન જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. હું ઘરનો જ માણસ છું. ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી. બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે હવે આરપારની રાજનીતિ રમાઈ રહી છે. રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ હવે વિવાદોનું કેન્દ્ર બની છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી. જેને લઈને હવે બંને દિગ્ગજો વચ્ચે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચા છે. ઈફ્કોની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ હોવા છતાં બીપીન ગોતાને જયેશ રાદડિયાએ હરાવ્યા હતા. તો ખોડલધામનો રાજકીય ઉપયોગ ન કરવા અંગે જયેશ રાદડિયાએ ટકોર પણ કરી હતી. તો હવે શીતયુદ્ધ વચ્ચે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

નરેશ પટેલે આપી હતી આ પ્રતિક્રિયા 

નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના વિવાદની ચાલતી વાતો વચ્ચે નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેશ રાખવામાં નથી આવતો, હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેશ નથી, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, સરદાર પટેલ રાષ્ટ્રને કહી ગયા કે ઘરની વાત ઘરમાં જ રાખવી, પણ અમે જ ન રાખી શક્યા તેનું મને દુ:ખ છે. જયેશ રાદડિયા સાથે હંમેશા ખોડલધામ અને નરેશ પટેલ ઉભા રહેશે. અમે દરેક સમાજ સાથે ઉભા છીએ તો ઘરમાં તો સમાધાનની નીતિ છે. જયેશ રાદડિયા સામે મને કોઈ વાંધો નથી. જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડશે ત્યારે ખોડલધામ તેની સાથે ઉભું રહેશે.