રાજ્યમાં સતત નકલી વસ્તુઓ ઝડપાઇ રહી છે. ત્યારે ફરી એકવાર નકલી કચેરી ઝડપાઈ છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને આ નકલી કચેરી ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે.
અરવલ્લીના મોડાસા શહેરમાં કહેવાતી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. ઝાલાએ આ પાછળ નિવૃત્ત અધિકારીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેને લઇ બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
નકલી કચેરીમાંથી મળ્યા સિક્કા
મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં આ નકલી સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હતી. અહીંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે.
જાણો શું કહ્યું ધારાસભ્યએ
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગ્લોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. મને બાતમી તો હતી કે છેલ્લા 3 વર્ષથી ક્યાંક અરવલ્લી જિલ્લામાં આવી ઓફિસ ચાલી રહી છે. મેં કલેક્ટર અને SPનું ધ્યાન દોર્યું હતું અને તેમણે મારી સામે DDOને તપાસના આદેશ આપ્યા હતા. આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી. હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે, પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા, એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી.







