રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે ભૂવા પડવાની ઘટના સામે આવી છે. આ સાથે સુરતમાં જિલ્લામાં આજે મુશળધાર વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સવારે અનેક તાલુકામાં સાંબેલાધાર વરસાદ
આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના જામખંભાળિયામાં સવારે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા સમગ્ર શહેર જળ બંબાકાર થયું છે. બીજી તરફ વિસાવદર અને કાલાવડમાં સવારે છ થી આઠમાં ત્રણ -ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઇંચ વરસાદ તો જુનાગઢના વંથલીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ઉપલેટા અને દ્વારકા ના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 8 માં 120 તાલુકામાં પડ્યો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને પગલે NDRF ની 9 ટીમ તૈનાત 
રાજ્યમાં NDRFની 9 ટીમો તૈનાત  રાખવામાં આવી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, ભાવનગર જિલ્લામાં NDRFટીમને સ્ટેન્ડ બાય રખાઇ છે. વલસાડ, દ્વારકા, અમરેલી ગીર સોમનાથ અને સુરતમાં પણ NDRFની 1-1 ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.