Gujarat Weather Forecast : સોમવારે ગુજરાતના 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના આંકલાવમાં સવા પાંચ ઈંચ વરસ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યુ છે. પણ આજથી ઓગસ્ટની શરુઆત થઈ રહી છે અને વરસાદના ચોથા રાઉન્ડની પણ શરુઆત થવા જઈ રહી છે. આજથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર ધમધોકાર વરસાદની આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહેશે.
આજે ક્યાં પડશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, પહેલી ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં એક ડિપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જેના કારણે વરસાદ થઇ શકે. બંગાળમાં એક બાદ એક સિસ્ટમ બની શકે છે જેના કારણે પવન પણ ફૂંકાઇ શકે છે.2 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તેમજ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2થી5 ઓગસ્ટ ગુજરાતમાં ભારે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરતા કહ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.
બાગાયતી પાકોને નુકસાનની શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા રહેશે તેમજ ઓગષ્ટમાં દેશના પૂર્વીય રાજ્યોમાં વરસાદ થશે. બિહાર, પશ્ચિમ બંગાળ, આસામમાં વરસાદની શક્યતા છે તેમજ આસામમાં ભારે વરસાદ હોય તો સિંધનું વાતાવરણ બદલે છે અને અસામમાં વરસાદ થતા ગુજરાતમાં વરસાદ ઓછો થશે વધુમાં કહ્યું કે, ઓરિસ્સામાં વરસાદથી મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે જ 3 ઓગસ્ટે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે શું કહ્યું છે ?
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે તેમજ અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ રહેશે







