કાલે સવારની ચા મોંઘી પડશે… Amul એ દૂધના ભાવમાં કર્યો વધારો…

ચૂંટણીનો ધમધમાટ એક તરફ શાંત થયો છે. ત્યારે બીજી તરફ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. આજે અમૂલે અમૂલ ગોલ્ડ, અમૂલ તાજ અને અમૂલ શક્તિ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અને ભાવ વધારો આજ રાતથી જ લાગુ કરવામાં આવશે.

ગુજરાતમાં સોમવાર, 2 જૂનથી અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અમૂલ ગોલ્ડની કિંમત રૂ. 64/લીટરથી વધીને રૂ. 66/લીટર થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલની કિંમત 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા પ્રતિ લીટર થશે.

એટલું જ નહીં, અમૂલ શક્તિની કિંમત 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા પ્રતિ લિટર થશે. આ ઉપરાંત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ તેના વિતરકોને નવા ભાવ સાથેની યાદી મોકલી છે, જેના કારણે આ સમાચાર સામે આવ્યા છે. આ વધારો માત્ર ગુજરાત રાજ્ય માટે કરવામાં આવ્યો છે. એટલે કે દેશના અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર નહીં થાય.

અગાઉ એપ્રિલ 2023માં પણ અમૂલે ગુજરાતમાં તેના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ સમગ્ર રાજ્યમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે. 2023 માં વધારા પછી, અમૂલ દૂધ (ભેંસ) ની કિંમત હવે 68 રૂપિયા પ્રતિ લિટર હતી. અમૂલ ગોલ્ડની કિંમત 64 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ હતી. અમૂલ શક્તિની કિંમત 58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તે જ સમયે, અમૂલના તાજા દૂધના ભાવમાં પણ વધારો થયો, જે 52 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો.