લોકસભાની ચૂંટણી યોજાય ગઈ અને બનાસકાંઠાનો આખો માહોલ બદલાય ગયો. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી સાંસદ બન્યા તો ભાજપનું ક્લીન સ્વીપનું સ્વપ્ન તો રોળ્યું પણ બનાસકાંઠાથી ઘણુ બધુ ત્યારપછી ઉઘાળુ પડતુ થયું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા હવે ચર્ચામાં આવ્યા છે કેમ કે તેમણે જાહેરમંચ પરથી ચૌધરી સમાજને લઈને મોટી વાત કહી છે. જાહેરમંચ પર શંકર ચૌધરી અને પરબત પટેલને સંભળાવતા તેમણે સમાજને અરીસો બતાવ્યો છે. આગામી સમયમાં બનાસકાંઠાની રાજનીતિમાં કંઈ મોટુ થાય તો નવાઈ નહીં. શિવાભાઈ ભૂરિયાએ જાહેરમંચ પરથી કહ્યું કે, એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા.
બનાસકાંઠામાં ચૌધરી સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દિયોદર બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ ચૌધરી સમાજને ઉદ્દેશીને એક મોટો ધડાકો કર્યો છે.તેમણે શંકર ચૌધરી અને પરબત પટેલની હાજરીમાં કહ્યું કે- પોતાના સમાજ માટે ઝેર પીવું પડે તો પીવું જોઈએ. ઝેર પીને પણ સમાજના વિકાસ અને એકતા માટે કામ કરવું જોઈએ. ચૌધરીઓ વચ્ચે ચાલતી હુંસાતુંસીને જાહેર મંચ પરથી ખુલ્લી પાડી અને કહ્યું કે જો આ જ રીતે આંતરિક ખટપટ અને કાવાદાવા ચાલુ રહેશે તો ચૌધરી સમાજનું નામું નંખાઈ જશે. શિવાભાઈ ભુરિયાએ ઉદાહરણ આપતા કહ્યું કે,ચૂંટણી થાય તો બનાસકાંઠા જિલ્લામાં થરાદ બેઠક સિવાય કોઈ પણ ચૌધરી ઉમેદવારની જીત મુશ્કેલ છે.
તેમણે સમાજના સંમેલનમાં સ્ટેજ પરથી કહ્યું કે અત્યારે તો ફક્ત અને ફક્ત મારું અને મારું કેવી રીતે સચવાય તેવી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. જો આ પ્રવૃત્તિ ચાલતી રહેશે તો આગળ જતાં તેનાં પરિણામ તમામે ભોગવવાં પડશે. તેમણે કહ્યું કે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ લેવાનું પણ ટાળ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યની ભૂમિકા સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે એટલે આ મામલો ગંભીર રીતે ચર્ચામાં આવી ગયો છે. આનો મતલબ એ થયો કે શિવાભાઈ કોંગ્રેસના હોવા છતાં સમાજનાં ઉમેદવાર જીતે તેવું ઈચ્છતા હતા. સમાજનાં ઉમેદવાર એટલે રેખાબેન ચૌધરી. જેમને બનાસકાંઠામાં ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતાં.
શિવાભાઈ ભૂરિયા આટલેથી જ ન અટક્યા, તેમણે કહ્યું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે રેખાબેનનું નામ નથી લીધું તેમ છતાં ભાજપે શું તેમનો શું ફેર પાડી દીધો? શિવાભાઈએ કહ્યું કે ધાનેરામાં ભાજપમાંથી બળવો કરીને અલગ થયા પછી માવજી દેસાઈ અપક્ષમાંથી ચૂંટણી જીત્યા તો ભાજપે તેમનો શું ફેર પાડી દીધો? લોકસભાની ચૂંટણીમાં રબારી સમાજ કોંગ્રેસ તરફી હતો તેમ છતાં ભાજપે શું ફેર પાડી લીધો? બનાસકાંઠાના થરાદના કાર્યક્રમમાં શિવાભાઈ ભૂરિયાની વેદના બહાર આવી છે. કોંગ્રેસના નેતા હોવા છતા શિવાભાઈ ભૂરિયાએ શંકર ચૌધરી અને પરબતભાઈ પટેલને પણ સંભળાવ્યું કે થરાદમાં જે પ્રવૃત્તિ આદરી છે તે ચાલુ રાખશો તો પસ્તાશો. શિવાભાઈ ભૂરિયાએ કહ્યું કે રાજકીય પાર્ટી કરતાં સમાજ પ્રથમ હોવો જોઈએ. અન્ય જ્ઞાતિના પ્રભુત્વ સામે ટકવું હોય તો એક થઈને રહો નહીં તો કોઈ યાદ પણ નહીં કરે કે ચૌધરીઓ ક્યારેય સત્તામાં હતા. હવે ભાજપે વિચારવાનું છે કે કોંગ્રેસ બનાસકાંઠાની બેઠક જીતી ગઈ તો ભાજપના આંતરિક ખટપટના કારણે એટલે ભાજપે પોતાના સંગઠનમાં રહેલા આંતરિક ખટરાગને હરાવવો પડશે.







