રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. જાહેરમાં ત્રણ યુવકો પર કુહાડી વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ભાવેશ વાણવી નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
માથાના ભાગે ગંભીર ઈજા
માહિતી મુજબ, હુમલાખોરોએ જાહેરમાં ત્રણ યુવકો પર ત્રાટકી કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં ભાવેશ વાણવી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે,
હુમલા બાદ પણ યુવકને સાથે લઈ ગયા
ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોરોએ હુમલો કર્યા બાદ પણ ઈજાગ્રસ્ત યુવકને ગાડીમાં બેસાડી ત્યાંથી લઇ ગયા હતા. જો કે બીજે લઇ જઈ માર મારવામાં આવ્યો કે કેમ ? આ ઘટનાએ શહેરમાં પોલીસ પ્રત્યેનો ડર ઓછો થયો હોવાના સવાલો ઉભા કર્યા છે.
ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ ડીસીપી જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
શહેરમાં ચકચાર
જાહેરમાં થયેલા આ હિંસક હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.







