રાજકોટના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલા પામ યુનિવર્સ નામના ફ્લેટમાં 12મા માળેથી નીચે પટકાતા એક આધેડનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને લઈને પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ ફ્લેટમાં આધેડ નિમેષભાઈ ભંડેરી લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. રાત્રિના સમયે તેઓ 12મા માળેથી નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આ ઘટના અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બની છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
દરમિયાન નિમેષભાઈ ભંડેરીના પરિવારજનોએ તેમના મોતને શંકાસ્પદ ગણાવ્યું છે. પરિવારજનોએ હત્યા કે આત્મહત્યા સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ તેમજ આસપાસના લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આધેડનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.







