અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીજળીની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. 5થી વધુ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં સાવરકુંડલા PGVCL ડિવિઝન કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજ પુરવઠાની સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોએ કચેરી ખાતે રામધૂન બોલાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી વીજળીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
10 કલાકની જગ્યાએ 5 કલાક વીજળી મળતી હોવાનો આક્ષેપ
ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીવાડી માટે નિર્ધારિત સમયની સરખામણીમાં તેમને પૂરતો વીજ પુરવઠો મળી રહ્યો નથી. 10 કલાકના બદલે માત્ર 5 કલાક જેટલી વીજળી મળતી હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વીજળી ઓછી અને પાવર વીક મળવાને કારણે ખેતીના કામમાં મુશ્કેલી પડી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે.
એક ફીડર પર 560 જેટલા કનેક્શનનો મુદ્દો
ખેડૂતોએ વીજ પુરવઠા સાથે જોડાયેલી બીજી સમસ્યા પણ રજૂ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, એક ફીડર પર આશરે 560 જેટલા કનેક્શન હોવાથી તેના પર વધુ લોડ પડી રહ્યો છે.
વધુ લોડના કારણે વીજળીનો પુરવઠો નબળો પડતો હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ સમસ્યાને દૂર કરવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
વરસાદ ખેંચાતા ઉભા પાકને પાણીની મુશ્કેલી
છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેતીના ઉભા પાકને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે. આવી સ્થિતિમાં વીજ પુરવઠો પૂરતો ન મળતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હોવાનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, સમયસર સિંચાઈ ન થઈ શકવાથી ઉભા પાકને નુકસાન થવાની ચિંતા વધી રહી છે.
10 કલાક વીજળી આપવા ખેડૂતોની માંગ
ખેડૂતોએ ખેતીવાડી માટે નિયમ મુજબ 10 કલાક પૂરતો અને યોગ્ય વોલ્ટેજ સાથે વીજ પુરવઠો આપવા માંગ કરી છે. મોટી સંખ્યામાં PGVCL કચેરીએ પહોંચેલા ખેડૂતોએ મુખ્ય અધિકારી સમક્ષ પોતાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી અને તમામ માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. હવે PGVCL તંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆતને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







