ગીર સોમનાથ જિલ્લામાં SOG પોલીસ દ્વારા આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરતાં 16,000 લીટર જેટલો બે વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ ઝડપી પાડવામાં આવ્યો છે. બજારમાં વેચાણ થાય તે પહેલાં જ પોલીસે જથ્થો કબજે કરી લોકોના આરોગ્યને જોખમમાંથી બચાવ્યું છે.
તાલાલા નજીક હડમતીયા ગીર ગામે દરોડો
માહિતીના આધારે ગીર સોમનાથ SOG પોલીસે તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામની સીમમાં આવેલી રુચીલ એગ્રો ફૂડ પ્રોડેક્ટ નામની એકમ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાં સંગ્રહિત આશરે 16,000 લીટર અખાદ્ય કેરીનો રસ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ રસ બે વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે.
વેચાણ પહેલાં જ કાર્યવાહી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ SOG ટીમે કાર્યવાહી કરી હતી. ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક વ્યક્તિની અટકાયત
આ કેસમાં પ્રવિણ ગોકળભાઈ ભંડેરીની મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
લોકોના આરોગ્યની સુરક્ષા માટે સખત પગલાં
ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે કે ભેળસેળ અને અખાદ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે સતત ડ્રાઇવ ચાલુ રહેશે. આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.







