આજથી એક મહિના પહેલા રાજકોટમાં કલબલાટ કરતાં ગેમઝોનમાં એકાએક આગ લાગી અને 27 જેટલા લોકોના એકાએક જીવ છીનવાયા. કહેવામાં તો આ એક દુર્ઘટના હતી પરંતુ જો તંત્રએ બધુ ધ્યાન આપ્યું હોત તો કદાચ 27 લોકો આજે પણ પોતાની જિંદગી ખુશીથી પોતાના પરિવાર સાથે જીવતા હોત. આજે અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે. 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. કેટલીક બજારોના વેપારીઓએ મૃતાત્માઓની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખશે.

આજે પણ આ સવાલ સળગે છે
અત્યાર સુધી તંત્ર કેમ સૂતું હતું? નાના માણસને વિવિધ કચેરીઓ પર ધક્કા ખવડાવવામાં નિયમો જોનારા સરકારી બાબુઓના મો પર તાળાં અને આંખ પર પટ્ટા લાગવાના કારણે જ 27 લોકોએ જીવ ગુમાવ્યો. કદાચ સરકારી સહાય અને ન્યાય માટે આજે આગળ આવનાર પણ સરકારી કચેરીના ધક્કા ખાય ને થાકી ન જાય તે જો જો. હજુ પણ અગ્નિકાંડમાં બંધ પાળનારના વિગતો મેળવી પોલીસ શું કરવા માંગે છે? સારું છે કોંગ્રેસ આગળ આવી પણ કોંગ્રેસ છેલ્લે સુધી સાથ આપશે ?

 શક્તિસિંહ ગોહિલના પ્રહારો
રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે સરકારની સિટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતાપૂલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી. રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠીયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે.

શું હતી ઘટના 
રાજકોટ શહેરના નાના મવા રોડ પર માર્ચ 2021થી TRP ગેમ ઝોનમાં સાંજે 5.30 વાગ્યા આસપાસ ચાલુ વેલ્ડિંગ કામનો તણખો નીચે પડ્યો. અને આગ શરૂ થઇ હતી. આ આગે માત્ર ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ઍક સાથે  27 લોકોને ભરખી ગઈ હતી. બચાવો બચાવોની ચિચિયારીઓ સંભળાતી હતી. આ ગેમ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાતા રાજકોટની ચારેય દિશામાં ગેમ ઝોનથી 5 થી 7 કિલોમીટર દૂર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા અને એક સાથે 27 લોકોએ જીવ ગુમાવ્યો.

સ્થિતિ એટલી ગંભીર હતી કે મૃતદેહોની ઓળખ પણ થઈ ન હતી. ઓળખ માટે DNA ટેસ્ટ કરવા પડ્યા હતા. અને મૃતદેહ મેળવવા પણ પરિવાર જનોએ ધક્કા ખાવા પડ્યા હતા. એક તરફ મૃતદેહ માટે પરિવાર જનો ચોધાર આંસુથી રડી રહ્યા હતા બીજી તરફ તંત્ર પાપ ઢાંકવાના પ્રયાસોમાં કરી રહ્યું હતું.