રાજ્યમાં મેઘરાજાએ આજે કહેર વર્તાવ્યો છે અને હજુ પણ વરસાદ તાંડવ કરશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલે પણ અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે. આ સાથે જ અતિવૃષ્ટિ સર્જાય એ પ્રકારની શક્યતાઓ પણ વર્તાય રહી છે. ગુજરાતના માથે હજુ પણ ઘાત યથાવત છે. ગુજરાતવાસીઓને સાવધાન રહેવાની જરુર છે.

આવતીકાલે રાજ્યમાં કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર,મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી,દીવ, ભાવનગર અને ગીરસોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. મિની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાય શકે છે. આ ઉપરાંત ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,સુરત, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ બધા જિલ્લાઓમાં અત્યંત ભારે એટલે કે પૂર અને અતિવૃષ્ટિ જેવો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. ગાંધીનગરમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાત અતિથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગતરાત્રિથી જ મેઘરાજાની ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજમાં બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 243 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરાના પાદરામાં 12 ઈંચ નોંધાયો છે. રાજ્યના 49 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ અનેક શહેરોમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે તે જિલ્લાના કલેકટર અને મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરી હતી.રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.