ગોંડલ પંથકમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંડણકુંડલા અને શ્રીનાથગઢ વચ્ચે પાણીપૂરીની લારી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ દેવચડી ગામે ખેતમજૂરી કરતા પરિવારના મોભી રાજેશભાઈ જામરેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજેશભાઈ જામરે તેમના 16 વર્ષીય પુત્ર શિવમ અને સગા જીતેનભાઈ (ઉ.વ. 27) સાથે બાઈક પર વાસાવડ ખાતે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન શ્રીનાથગઢ નજીક અચાનક બાઈક આગળ જતી પાણીપૂરીની રેકડી સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બાઈકસવાર રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્મતમાં રાજેશભાઈના પુત્ર શિવમ અને સગા જીતેનભાઈ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જીતેનભાઈની હાલત ગંભીર હોવાનું સામે આવતા તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જ્યારે 16 વર્ષીય શિવમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પરિવારના મોભીના મોતથી શ્રમિક પરિવારમાં શોક

રાજેશભાઈ જામરે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના મોભીનું અચાનક અકસ્માતમાં મોત થતાં સમગ્ર શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.