ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસની 25 બેઠકો પર હાર કરતાં એક બેઠક પર જીતની ચર્ચા ખૂબ વધુ છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી ભાજપ તમામ બેઠકો પર જીત મેળવતું હતું. ત્યારે ક્લીન સ્વીપની હેટ્રીક કોંગ્રેસે બનાસકાંઠાથી અટકાવી છે. આ દરમિયાન ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શક્તિસિંહ ગોહિલે એક કાંકરે બે નિશાન ટાંક્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે.
ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. સાથે કહ્યું હતું કે, આ મોદીની નહીં મારી ગેરંટી છે.ડેરી કે બેંકની અંદર લડાઈ એક વ્યક્તિના અહંકારની લડાઈ હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા.
સ્વ. ગલબાકાકાના પૌત્રીની થઈ હતી હાર
લોકસભા ચૂંટણી-2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે બનાસડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાકાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ત્યારે આ બેઠક પર રસાકસી બાદ ગેનીબેન ઠાકોર વિજેતા થયા હતા.







