આગામી 21મી ઓગસ્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો થશે પ્રારંભ, જાણો કેટલા દિવસ યોજાશે સત્ર
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી મળશે, મહત્વના બિલ થઈ શકે છે રજૂ
આગામી 21મી ઓગસ્ટે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. અંદાજે ત્રણ દિવસ માટે યોજાનારા ચોમાસુ સત્ર માટે રાજ્યપાલે આહવાન કર્યું છે. આ ચોમાસુ સત્રમાં ગુજરાતના કેટલાક કાયદાઓમાં સુધારા સાથે નવા કાયદા માટેના વિધેયક લાવવામાં આવશે.
તમામ ધારાસભ્યોને હાજર રહેવા કરી જાણ
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંકું સત્ર 21 ઓગસ્ટથી યોજાશે, સત્ર 21 થી 23 ઓગસ્ટ સુધી યોજાશે . ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તા. 06-08-2024ના રોજ 15મી વિધાનસભાના આગામી પાંચમાં સત્ર માટે સભાગૃહની બેઠક 21 ઓગસ્ટ 2024ના રોજ બપોરના 12 વાગે બોલાવવા માટે રાજ્યપાલને આહવાન કર્યું છે. ગુજરાત વિધાનસભાના તમામ સભ્યશ્રીઓને ઉક્ત સમય અને તારીખે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરેલ છે.
અમિત ચાવડાએ કરી હતી માંગ
રાજ્યમાં 6 મહિનાથી વધુ સમયથી સત્ર ન બોલાવાતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સત્ર બોલાવવા રજૂઆત કરી છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં વહેલી તકે વિધાનસભા સત્ર બોલાવવા માગ કરી છે. પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ મુકી શકે તે માટે અમિત ચાવડાએ સત્રની જાહેરાત કરવા માગ કરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું છ માસમાં મળવું જોઈએ તેવી જોગવાઈ ભારતના બંધારણમાં થયેલી છે. તે બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર આગામી ઓગસ્ટ માસના અંત પહેલા આહવાન કરવું પડશે. સત્રનું સમયરસ આહવાન કરવામાં આવે તો પ્રજાના `ચુંટાયેલા પ્રતિનિધિઓ તારાંકિત પ્રશ્નો પુછવાનો સમય મળે અને તારાંકિત પ્રશ્નો દ્વારા સરકારનું ધ્યાન આકર્ષિત કરીને મત વિસ્તાર અનેક પ્રશ્નો નાગરીકોના હિતમાં પુછતાં હોય છે. આવા પ્રશ્નો પુછવાનો આશય નાગરીકોના પ્રશ્નો/સમસ્યાઓ હલ કરવાનો કે સરકારની નીતિઓની ચર્ચા થાય તેમજ કોઈક જગ્યાએ ગેરરીતિ કે અનિયમિતતા હોય તેવા સંજોગોમાં પ્રશ્ન પુછવાથી તેમાં સતર્કતા આવતી હોય છે અને ગેરરીતિ અટકતી હોય છે.







