Lion Day 2024 :અમરેલી જિલ્લાના આ ગામમાં છે દેશનું એકમાત્ર સિંહનું મંદિર, જાણો શું છે ઇતિહાસ
ભગવાનના અનેક મંદિરો જોયા હશે તમે પરંતુ સિંહણનું મંદિર જોયુ છે ? આજે વાત કરીશુ અમરેલીના રાજુલામાં આવેલુ સિંહણ મંદિર કે જયાં ગ્રામજનો સિંહણને દીવો કરી તેના માટે પ્રાર્થના કરે છે.આ મંદિરને સિંહ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. 2014માં રેલવે ટ્રેક ઉપર 2 સિંહોના મોત બાદ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સિંહ પ્રેમીઓ દ્વારા રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક ઉભું કર્યું. મૃતક સિંહો ખુબજ લોકપ્રિય અને આ વિસ્તારના પ્રખ્યાત હતા લોકોની સિંહો સાથે આસ્થા અને લાગણીઓ સીધી રીતે જોડાયેલી છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ-પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે. સિંહ-પ્રેમીઓનું કહેવું છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે, જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે.
દેશ ભરમાં એશિયાટિક સિંહોનું ક્યાંય મંદિર નથી, પરંતુ આ વિસ્તારના લોકો સિંહોને સાચવતા હોય અને સિંહોના સંરક્ષણ સહિત બાબતોએ જાગૃત અને સિંહો સાથે જોડાયેલ હોવાને કારણે સિંહપ્રેમીઓ દ્વારા મંદિર ઉભું કરવામાં આવ્યું છે. વિશ્વ સિંહ દિવસ નિમિતે અહીં દર વર્ષે પર્યાવરણપ્રેમીઓ નેચર ક્લબ સંસ્થા સહિત ગ્રામજનોમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે અહીં પૂજા અર્ચના કરી સિંહ સ્મારકની આરતીઓ ઉતારવામાં આવી રહી છે. જેના કારણે મંદિર દિવસે દિવસે પ્રખ્યાત બની રહ્યું છે. ચારે તરફ ગાઢ જંગલ જેવો માહોલ વચ્ચે આ સિંહ સ્મારક રેલવે ટ્રેકની સામે જ આવેલું છે.
આ કારણે બન્યું હતું મંદિર
ગુજરાતીઓ માટે સિંહ સૌથી પ્રિય પ્રાણી છે,લોકો સિંહ જોવા માટે સ્પેશિયલ ગીર અને સાસણમાં જતા હોય છે. ત્યારે રાજુલા તાલુકાના આ ગામમાં એવી ઘટના બની કે લોકો એ ઘટનાને યાદ કરીને રડી જાય છે. ગામના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 2014માં ભેરાઈ ગામ નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત થયા હતા. ત્યારે સિંહણની યાદમાં ગ્રામજનોએ મંદિર બનાવ્યું છે જેને સિંહણ સ્મારક તરીકે ઓળખવામાં આવે છે.







