રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ભારે વરસાદને પગલે તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. આ દરમિયાન કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે. જેમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયું છે અને ચોમાસામાં આ બ્રિજ માથાનો દુખાવો સમાન થઈ ગયો છે. બ્રિજની બાજુમાં આવેલી મિલની ચાલીમાં એક વૃદ્ધનું અવસાન થતાં આજુબાજુ રસ્તો ન હોવાથી પરિવારજનોને મૃતદેહ (પાલખી)ને અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી હતી.

કડી શહેરમાં છેલ્લા છ મહિનાથી બ્રોડગેજ રેલવે લાઈનનું રેલવે વિભાગ દ્વારા કામકાજ ચાલી રહ્યું છે. બ્રોડગેજના કામના કારણે અનેક વિસ્તારમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ નવા બનાવેલા આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ સમયસર ન કરાતાં વાહનચાલકો તેમજ આજુબાજુમાં રહેતા રહીશો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

એમ્બ્યુલન્સ માટે નથી રસ્તો
ત્યારે કડીમાં કેડ સમાં પાણીમાંથી અર્થી કાઢવા મજબૂર બન્યા છે. મૃતદેહ અંડરબ્રિજના પાણીમાં થઈને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે. ગઈકાલે પડેલા વરસાદને કારણે અંડર પાસ ભરાઈ જતા સર્જાઈ સ્થિતિ સર્જાઇ છે. એમ્બ્યુલન્સને આવવા માટે પણ રસ્તો નથી.