ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી.આ સાથે જ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. તે જ સમયે ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.આ સાથે બનાસકાંઠાની વાવ બેઠકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 13 નવેમ્બરે ચૂંટણી યોજાશે.
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા અને વાવની વિધાનસભા બેઠક ખાલી પડી એટલે ચૂંટણી યોજાવાની છે. એવી ચર્ચાઓ વચ્ચે આજે જાહેરાત થઈ ચૂકી છે. 13 નવેમ્બરે વાવમાં પેટાચૂંટણી થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ.
અટકળો બની તેજ
હવે ચર્ચા એ છે કે ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા પણ આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005 માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ-તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો છે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.બનાસકાંઠામાં કોંગ્રેસને મળેલી જીતથી ઘણા નેતાઓ ઉત્સાહિત છે.
જાણો શું છે ચર્ચા
મહત્વની વાત એ છે કે કોંગ્રેસ તરફથી અત્યાર સુધી જે ત્રણ નામે પેટાચૂંટણી માટે ચર્ચાઈ રહ્યા છે એમાં એક પણ ઠાકોર કે ચૌધરી સમાજનું નામ નથી. બનાસકાંઠાની લોકસભા ચૂંટણી ઠાકોર વર્સિસ ચૌધરી ઉમેદવારની થઈ હતી. એટલે વાવ બેઠકની પેટાચૂંટણી પર આ વખતે પણ કાંટાની ટક્કર થઈ શકે છે. વળી, ભાજપ માટે પણ હવે આ બેઠક જીતવી વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. એટલે કોંગ્રેસ જ નહીં ભાજપે પણ આ બેઠક પર વિસ્તાર, જ્ઞાતિ અને અન્ય સમીકરણોને ધ્યાને લઈને જ ઉમેદવાર ઉતારવા પડશે. જોવાનું એ રહેશે કે બંને પક્ષે કોને ટિકિટ મળે છે.







