રાજ્યમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ચોરી હવે તસ્કરોએ લોકોના ઘરના બદલી આ વખતે રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યું હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્ત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોરીના બનાવને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય જનતાનું ઘર તો ઠીક પરંતુ આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગતરોજ જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ રજા પર હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યાલયના તાળા તોડીને ચોરી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની ઓફિસમાં સોના-ચાંદી કે રોકડ રકમ તો હશે નહીં, તો પછી શા માટે ચોરી કરવામાં આવી હશે?
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના બહારના ગેટના દરવાજાનું લોક તોડવામાં આવ્યું, ત્યારબાદ ઓફિસના કાર્યાલયના દરવાજાનું લોક તોડવામાં આવ્યો. ત્યારબાદ કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે. અમારો સવાલ છે કે ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે? અમારી પાર્ટીના કાર્યાલયમાં અમારા પ્લાનિંગના અને રણનીતિના ડોક્યુમેન્ટ હશે. માનવામાં આવી રહી છે કે ખૂબ જ અગત્યના કાગળની ચોરી થઈ હશે. આ મુદ્દા પર અમારી માંગ છે કે મુખ્યમંત્રીએ મીટીંગ કરીને આ ચોરી કરાવનાર વિરુદ્ધ પગલાં લેવા જોઈએ.







