અમરેલી તાલુકાના રાંઢીયા ગામે કારમાં શ્વાસ રૂંધાવાથી એક જ પરિવારના ચાર બાળકોના મોત નીપજ્યા છે. ચારેય બાળકો કારમાં રમતા હતા અને આ દરમિયાન ગેટ લોક થઈ ગયો હતો. ગેટ ન ખુલવાને કારણે તમામ બાળકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ ઘટના શનિવારે જિલ્લાના રાંધિયા ગામમાં બની હતી.

નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે પીડિતો મધ્યપ્રદેશના ધારમાં રહેતા ખેતમજૂર દંપતીના બાળકો હતા. તેણે કહ્યું, ‘સવારે લગભગ 7.30 વાગ્યે દંપતી તેમના સાત બાળકોને છોડીને ભરત મંડાણીના ખેતરમાં કામ કરવા ગયા હતા. ચાર બાળકો તેમના ઘર પાસે પાર્ક કરેલી ફાર્મ માલિકની કારમાં બેસીને રમવા લાગ્યા.

આ ચારેય પીડિતોની ઉંમર બે થી સાત વર્ષની હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. કારનો દરવાજો અંદરથી બંધ હતો. બાદમાં ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે શનિવારે સાંજે જ્યારે માતા-પિતા અને કારના માલિક પાછા ફર્યા તો તેમણે મૃતદેહો જોયા. આ અંગે અમરેલી (તાલુકા) પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.