સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂદ્ધ આંદોલનનું બ્યુંગલ ફૂકયું હતું, 2 ઓક્ટોબરે સરપંચોના ઇકોઝોન વિરુદ્ધના ઠરાવો, નવરાત્રી અને દિવાળીમાં વિરોધો અને સભાઓ અને રેલીઓના ‘આપ’ નેતા પ્રવીણ રામની રાહબરી હેઠળ સફળ આયોજન થયા હતા.
ત્યારે આજરોજ ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામની રાહબરી હેઠળ ગીરના તમામ 196 ગામમાંથી લોકો જેમ કીડીયારું ઉભરાય એ રીતે હજારોની સંખ્યામાં સવારે ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે લોકો એકઠા થયા હતા, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ‘આપ’ નેતા પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલિયા, પરેશભાઈ ગોસ્વામી, પ્રદેશ પ્રવક્તા કરશનબાપુ ભાદરકા તેમજ અન્ય આગેવાનોએ હાજર તમામ લોકોને ઇકોઝોન માટે માહિતી આપી સરકારને આ કાયદો નાબૂદ કરવા માટે ચેતવણી આપી હતી, ત્યારબાદ ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડથી વિશાળ ટ્રેકટરો સાથે હજારોની સંખ્યામાં લોકોએ સાસણ તરફ કૂચ કરી હતી , સાસણ પહોંચ્યા બાદ ફોરેસ્ટના જવાબદાર અધિકારીને ઇકોઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ટ્રેક્ટર રેલીમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે જેમના કારણે સાસણ તમામ રસ્તાઓ બ્લોક થયા હતા અને અમુક સમય માટે સાસણની બજારો ઠપ થઈ હતી, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગીરના ઇતિહાસમાં કદાચ ખેડૂતોની આ ઐતિહાસીક રેલી હતી, ‘આપ’ રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા, પરેશભાઈ ગોસ્વામી અને કરસનબાપુ ભાદરકાએ સરકારને આડેહાથ લેતા સરકારની ઝાટકણી કાઢી હતી.
આ વિશાળ ટ્રેક્ટર રેલીમાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે આગામી રણનીતિ જાહેર કરતા કહ્યું કે સરકાર જો આ જાહેરનામું નાબૂદ નહિ કરે તો,
1) આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ લડવામાં આવશે.
2) જો ઇકોઝોન નાબૂદ નહિ કરે તો આગામી દિવસોમાં રાજકીય લડાઈ લડી ગીર વિસ્તારમાંથી ભાજપને નાબૂદ કરવામાં આવશે, આ બાબતે પ્રવીણ રામે હાજર રહેલ ગીરના લોકોને પૂછતા ગીરના લોકોએ જ ભાજપને નાબૂદ કરવાની વાતમાં સમર્થન આપ્યું હતું.
3) જો ઇકોઝોન નાબૂદ ના કરે તો મેંદરડાનાં સરપંચો રાજીનામા આપશે.
4) જો ઇકોઝોન નાબૂદ ના કરે તો પરમીટથી થતા સિંહદર્શનને અટકાવવામાં આવશે
5) જો ઇકોઝોન નાબૂદ ના કરે તો રેવન્યુ વિસ્તારમાં સિંહે કરેલા મારણને ફોરેસ્ટના અધિકારીઓ લઈ જઈને રૂટના સિંહોને ખવડાવી સીધા પૈસા ઉધારી ભ્રષ્ટાચાર કરે છે, એ બંધ કરાવવામાં આવશે.
6) વનવિભાગ દ્વારા થતા તમામ કામોમાં આરટીઆઈ કરી ફોરેસ્ટ વિભાગના અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે.
આ તમામ ચિમકીઓ આપી ‘આપ’ નેતા પ્રવીણ રામે પણ જણાવ્યું કે હમણાં ટૂંક સમયમાં સોમનાથ ખાતે ભાજપની ચિંતન શિબિર છે ત્યારે આ ચિંતન શિબિરમાં ઇકોઝોન માટે ચિંતન થાય અને અને ભાજપ આ કાયદો નાબૂદ કરે એવી અમારી માંગણી છે, અન્યથા ગીરની પ્રજા આપને ચિંતન કરવા જેવા નહિ રહેવા દે.







