અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચે અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેનને પાટા પરથી ઉતારવાના ઈરાદે ટ્રેક પર મોટા પથ્થરો તેમજ ફેન્સિંગ માટે વપરાતો લોખંડનો પોલ મૂકી દીધો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ભાવનગર–પોરબંદર પેસેન્જર ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. સદનસીબે, ટ્રેન આગળ વધતી વખતે પાયલટને ટ્રેક પરથી કોઈ વસ્તુ અથડાવાનો અસામાન્ય અવાજ સંભળાયો હતો, જેને પગલે તેમણે તરત જ ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન અટકાવી દીધી હતી.
પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
ટ્રેન થંભતા પાયલટે નીચે ઉતરી તપાસ કરતા રેલવે ટ્રેક પર જોખમી રીતે મૂકાયેલા પથ્થરો અને લોખંડનો પોલ જોવા મળ્યો હતો. પાયલટની સમયસર કાર્યવાહીથી સૈકડો મુસાફરોના જીવ બચી ગયા હતા અને એક ભયાનક રેલ દુર્ઘટના ટળી હતી. આ અંગે તરત જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
પોલીસ, RPF અને IB સહિતની એજન્સીઓ દોડી આવી
ઘટનાની ગંભીરતા જોતા રેલવે પોલીસ (RPF), સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB), ડોગ સ્કોડ અને અન્ય તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેક પર રાખવામાં આવેલી સામગ્રીના નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે.
આતંકી કાવતરું કે અસામાજિક તત્વોની શરારત?
આ ઘટના પાછળ આતંકી કાવતરું છે કે સ્થાનિક અસામાજિક તત્વોની શરારત, તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વિસ્તારમાં સુરક્ષા વધારાઈ
અમરેલી જેવા શાંત વિસ્તારમાં રેલવે ટ્રેકને નિશાન બનાવવાની આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે. રેલવે તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ટ્રેક પર છેડછાડ કરનાર તત્વોને ઝડપી પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.







