જસદણ: જસદણ પંથકમાં સિંહ અને દીપડાના વધતા ધામા વચ્ચે આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જસદણના જડિયા મહાદેવ મંદિર ખાતે આરતી દરમિયાન દીપડાએ મહંત પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
આરતી દરમિયાન મહંત પર જીવલેણ હુમલો
માહિતી મુજબ, વહેલી સવારે મહંત આરતી કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો મંદિર પરિસરમાં ઘૂસી આવ્યો હતો. દીપડાએ સીધો મહંત પર હુમલો કરતા ગળા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
બચાવવા ગયેલા ખેડૂત પર પણ હુમલો
મહંતને બચાવવા દોડી આવેલા એક સ્થાનિક ખેડૂત પર પણ દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ રીફર, ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે
પ્રાથમિક સારવાર બાદ મહંત અને ખેડૂતની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાની શોધખોળ તેમજ સુરક્ષા માટે કાર્યવાહી શરૂ કરી છે.
વિસ્તારમાં ભયનો માહોલ
જસદણ પંથકમાં સિંહ અને દીપડાના સતત દેખાવને કારણે સ્થાનિકોમાં પહેલેથી જ ચિંતા હતી. આ ઘટનાએ ભયને વધુ વેગ આપ્યો છે. ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી છે.







