રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડીમોલેશન કાર્યવાહી બાદ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના વિપક્ષ સભ્ય વશરામ સાગઠીયા દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જેને કારણે મામલો વધુ રાજકીય રંગ લઈ રહ્યો છે.
10 વર્ષ પહેલા દબાણો હટાવ્યા, તો ફરી કેમ ઉભા થયા?
વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે લગભગ 10 વર્ષ પહેલાં જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને અસરગ્રસ્તોને આવાસ પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં, હવે એ જ વિસ્તારમાં ફરી દબાણો ઊભા થવાનું કારણ શું છે, તે મોટો સવાલ છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો અસરગ્રસ્તોને યોગ્ય રીતે પુનર્વસન આપવામાં આવ્યું હતું, તો ફરી એ જ સ્થળે ગેરકાયદેસર બાંધકામો કેવી રીતે થયા? શું તંત્રની બેદરકારી છે કે પછી કોઈની મૌન મંજૂરી?
તંત્ર અને અધિકારીઓની ભૂમિકા પર સવાલ
વિપક્ષે વધુમાં આરોપ લગાવ્યો કે જ્યાં આ દબાણો ફરી ઊભા થયા, ત્યાં સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓ ક્યાં હતા? શું સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી? કે પછી રાજકીય દબાણ હેઠળ આંખ આડા કાન કરવામાં આવ્યા ? તેમણે ડીમોલેશનના નિર્ણય અંગે પણ સવાલ ઉઠાવ્યો કે આ કાર્યવાહી કોના ઈશારે કરવામાં આવી? શું આ પગલું માત્ર મતદારોને પ્રભાવિત કરવા માટે લેવામાં આવ્યું છે?
રાજ્ય રાજકારણમાં નવી ચર્ચા
જંગલેશ્વર ડીમોલેશન મુદ્દે ઉઠેલા આ સવાલોએ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. શાસક પક્ષ તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ વિપક્ષના આક્ષેપો બાદ રાજકીય વાતાવરણ વધુ તીવ્ર બન્યું છે. હાલ, શહેરવાસીઓમાં પણ ચર્ચા ચાલી રહી છે કે દબાણો અંગેની કાર્યવાહી પારદર્શક અને નિયમ મુજબ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં.







