ભાવનગર: પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં બેનરોને લઈને વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી સામે આક્ષેપો કર્યા છે.

AAPના બેનર-ઝંડા હટાવાતા વિવાદ

માહિતી મુજબ, શહેરની પાણીની ટાંકીથી જ્વેલ્સ સર્કલ સુધી આમ આદમી પાર્ટીના ઝંડા અને બેનર લગાવવામાં આવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે રકઝક કરી અને સંબંધિત અધિકારીને ફોન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના બેનર કેમ નહીં હટાવાય? – ઈટાલિયાનો આક્ષેપ

ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે ફક્ત AAPના બેનરો જ હટાવવામાં આવે છે, જ્યારે ભાજપના બેનરો હટાવવામાં આવતા નથી. તેમણે સમાન ધોરણથી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દબાણ હટાવ સેલના વાહનમાં બેઠા, પછી પોતાની ગાડીમાં નીકળી ગયા

આક્ષેપોની પુષ્ટિ કરવા માટે ગોપાલ ઈટાલિયા દબાણ હટાવ સેલના વાહનમાં બેસી કર્મચારીઓને ભાજપના બેનરો બતાવવા નીકળ્યા હતા. જોકે, થોડે અંતરે જઈ તેઓ વાહનમાંથી ઉતરી પોતાની ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયા હતા.

મનપાની કાર્યવાહી પર ચર્ચા

મનપા દ્વારા શહેરમાં ગેરકાયદે બેનરો અને હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.