ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ચારથી પાંચ ગામના 100થી વધુ કાર્યકરોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ચાર ગામના લોકોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ
મળતી માહિતી મુજબ ઉના-ગીરગઢડા વિસ્તારના અનેક ગ્રામજનો અને આગેવાનો કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા. ખાસ કરીને નવા ઉગાલા ગામના માજી સરપંચ સહિત અનેક લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
સ્થાનિક સ્તરે આ જોડાણને ભાજપ માટે ચિંતા અને કોંગ્રેસ માટે સંજીવની તરીકે જોવામાં આવી રહ્યું છે.
પુંજાભાઈ વંશની હાજરીમાં પ્રવેશ કાર્યક્રમ
આ પ્રસંગે ઉનાના પૂર્વ ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જોડાયેલા કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.
પુંજાભાઈ વંશે જણાવ્યું કે, “સ્થાનિક વિકાસ અને જનહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.”
ચૂંટણી પહેલા વધતો રાજકીય તાપમાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં થતા પક્ષપલટાને કારણે આગામી ચૂંટણીમાં સીધી ટક્કર જોવા મળશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગ્રામ વિસ્તારોમાં થતા આવા મોટા પ્રમાણના જોડાણો ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે.







