અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે સિંહ આવી ચડતાં વાહનચાલકોમાં ચકચાર મચી ગઈ હતી. મીઠાપુર ગામ નજીક હાઈવે પર સિંહ જોવા મળતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા.

હાઈવે પર સિંહ દેખાતા વાહનચાલકોમાં ભય

માહિતી મુજબ, મોડી રાત્રે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ અચાનક રસ્તા પર સિંહને ફરતો જોયો હતો. જેના કારણે વાહનચાલકોએ વાહનો રોકી દીધા હતા અને કેટલાક લોકોએ આ દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા હતા.

વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલો

આ ઘટના બાદ વન વિભાગની પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાઈવે પર વારંવાર સિંહ અને અન્ય વન્યપ્રાણીઓ આવી જતા હોવા છતાં પૂરતી પેટ્રોલિંગ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

ઉલ્લેખનીય છે કે આ જ નેશનલ હાઈવે પર અગાઉ વાહનોની અડફેટે આવી ત્રણ વન્ય પ્રાણીઓના મોત પણ થયા હતા.

ચોથા અકસ્માતની રાહ તો નહીં જોતા હોય ને ?

સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે કે શું વન વિભાગ ચોથા વન્યપ્રાણી અકસ્માતની રાહ જોઈ રહ્યો છે? આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી છે.

પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવાની માંગ

સ્થાનિકો દ્વારા કાગવદરથી ટીંબી સુધીના વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગ વ્યવસ્થા ગોઠવવા અને અનુભવી કર્મચારીઓને આઉટસોર્સિંગ દ્વારા નિયુક્ત કરવાની માંગ કરવામાં આવી છે, જેથી નિર્દોષ વન્યપ્રાણીઓ અકસ્માતનો ભોગ બનતા અટકે.

સિંહોના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે જાફરાબાદ વિસ્તારમાં વન વિભાગ વધુ સક્રિય બની વન્યપ્રાણીઓની સુરક્ષા માટે અસરકારક પગલાં લે.