એસટી બસના કર્મચારીઓ પર અવારનવાર થતા હુમલાની ઘટનાઓમાં વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોમનાથ-ગાંધીનગર રૂટની બસના ડ્રાઈવરને કોઈપણ કારણ વગર ગત રાત્રિના વડાલ પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરી, સોનાની ચેઈન લૂંટી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના બની ….

વેરાવળ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર નિતેશભાઈ વાઢીયા ગત સાંજે 6.00 કલાકે ગાંધીનગરથી સોમનાથ જવા માટે બસ લઈને નીકળ્યા હતા. રાત્રે અંદાજે 2. 10 વાગ્યાની આસપાસ જ્યારે બસ જૂનાગઢના વડાલના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક કાળા રંગની ફોર વ્હીલર કાર બસની આડે આવીને ઊભી રહી ગઈ હતી.​કારમાંથી ઉતરેલા શખ્સોએ ડ્રાઈવરને નીચે ઉતારી, “આ તારા બાપનો રોડ છે?” તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ડ્રાઈવર પર પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરો પૈકીના એક શખ્સે ડ્રાઈવરના ગળામાંથી સોનાની ચેઈન પણ ઝૂંટવી લીધી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

પોલીસની હાજરીમાં જ મુખ્ય સૂત્રધાર થયો ફરાર
ભોગ બનનાર ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, એક શખ્સે તેમને બચકું ભરીને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ​બનાવ બાદ 112 નંબર પર ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ, ડ્રાઈવરનો આક્ષેપ છે કે જ્યારે હુમલાખોરોને પોલીસ ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા, ત્યારે પણ તેઓ કોઈની સાથે સતત ફોન પર વાત કરી રહ્યા હતા. અંદાજે 20મિનિટ બાદ અન્ય એક કાર આવી હતી અને હુમલાખોરોનો મુખ્ય સૂત્રધાર પોલીસની હાજરીમાં જ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ​ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ​એસટી કર્મચારીઓ પર ફરજ દરમ્યાન થતા આવા હુમલાઓથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લૂંટ અને હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો