જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ ગુજરાતના કૃષિમંત્રી **જીતુભાઈ વાઘાણી**ને પત્ર પાઠવીને ખેતીમાં વધતી મોંઘવારી અને પાકોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની દયનીય હાલત રજૂ કરી છે. પત્રમાં તેમણે સરકારની દેખરેખ હેઠળ સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન આપવા અંગે સ્પષ્ટ માંગ કરી છે.
ખેડૂત ઘનશ્યામ ભાલાળાના જણાવ્યા મુજબ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેત ઓજારો તેમજ ડીઝલના ભાવોમાં છેલ્લા સમયમાં લગભગ દસ ગણો વધારો થયો છે. જ્યારે બીજી તરફ ઘઉં, કપાસ, મગફળી અને કઠોળ જેવા મુખ્ય પાકોના પોષણક્ષમ ભાવો ન મળતા ખેતી ખર્ચ ઉગરી શકતો નથી, જેના કારણે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે.
પત્રમાં તેમણે કાયદાકીય ગૂંચવણ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. ખેડૂત તરીકે પરમિશન વિના ગાંજાનું વાવેતર કરવામાં આવે તો તે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, ખેતીવાડી વિભાગ કે પોલીસ વિભાગ—કયા વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે તે સ્પષ્ટ નથી. એક તરફ દરેક વિભાગ કહે છે કે “અમારા વિભાગમાં આવતું નથી”, અને બીજી તરફ મંજૂરી વિના કરાય તો દરેક વિભાગ કાર્યવાહી કરે—આ કેવી કાયદો વ્યવસ્થા છે? એવો સવાલ તેમણે કર્યો છે.
ઘનશ્યામ ભાલાળાએ તુલનાત્મક રીતે જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂ વેચવા માટે પરમિશન મળે છે, હથિયાર રાખવા માટે રિવોલ્વરનો પરવાનો મળે છે, તો પછી ખેડૂત તરીકે સરકારની દેખરેખ હેઠળ ગાંજો વાવવાની પરમિશન કેમ ન મળે? તેમનો મત છે કે સરકાર જો જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદાર કચેરી મારફતે વાવેતરથી લઈને વેચાણ સુધીની પ્રક્રિયા નિયમિત કરે, તો ખેડૂતોને વિકલ્પરૂપ આવક મળી શકે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ આવી શકે.
ખેડૂતે વધુમાં જણાવ્યું કે આ મુદ્દે તેઓ અગાઉ 16 માર્ચના રોજ પણ પત્ર પાઠવી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે માર્ગદર્શન મળ્યું નથી. ખેતીમાં સતત વધતી મોંઘવારી અને પાકોના ઓછા ભાવને કારણે ખેડૂતોની હાલત દિવસેને દિવસે કથળી રહી છે, ત્યારે સરકાર સમયસર નીતિગત નિર્ણય લે તેવી તેમણે અપીલ કરી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







