મેહુલ ત્રિવેદી, અમરેલી / મજાદર ગામ ખાતે પસાર થતી મેરામણયો નદી માં છેલ્લા કેટલાક સમયથી બેફામ ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈપણ જાતની સરકારી મંજૂરી, પાસ કે પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી કાઢવામાં આવી રહી છે, જેના કારણે પ્રકૃતિ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દિવસ-રાત ટ્રેક્ટરો દ્વારા નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચે જ ખનન કામગીરી થતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોમાં ઉઠ્યા વેધક સવાલો
ગ્રામજનોનો આરોપ છે કે ખનીજચોરોને રાજકીય પીઠબળ મળતું હોવાથી તેઓ બેફામ રીતે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે. ટ્રેક્ટરોના સતત ફેરા છતાં ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બની ગયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિકોમાંથી અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે:
ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ચોરી છતાં તંત્ર શા માટે મૌન છે?
પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે?
નદીઓ બની રહી છે “હાડપિંજર”
પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે માનવના અતિલોભના કારણે પવિત્ર નદીઓ આજે હાડપિંજર સમાન બની રહી છે. બિનિયંત્રિત રેતી ખનનના કારણે નદીના કુદરતી પ્રવાહ, જળસ્તર અને આસપાસના પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે.
તાત્કાલિક દરોડા અને કડક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે ગેરકાયદેસર ખનન સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને માત્ર સરકારી નિયમો, મંજૂરી તથા લીઝ પરમિશન મુજબ જ ખનન કામગીરી કરવામાં આવે. સાથે જ ખાણ-ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક દરોડા પાડી ખનીજચોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર આ સમગ્ર મામલે ક્યારે સક્રિય બને છે અને મજાદર ગામે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર ક્યારે રોક લગાવવામાં આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







