ગુજરાતમાં આગામી 8 જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપના પરંપરાગત અને વફાદાર મતબેંક ગણાતા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રાજ્યસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે માંગ ઉઠાવવામાં આવી છે.
ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના અમરેલી જિલ્લા પ્રમુખ ભરતભાઈ પોપટે ભાજપના નેતૃત્વ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે રઘુવંશી લોહાણા સમાજ વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે મજબૂત રીતે જોડાયેલો રહ્યો છે અને રાજ્યના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપતો આવ્યો છે. વેપાર, ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતો આ સમાજ દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં અંદાજે 25 લાખ જેટલી વસ્તી ધરાવતો રઘુવંશી લોહાણા સમાજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી તેની વસ્તી અને રાજકીય અસરકારકતાની પૂરતી નોંધ લેવામાં આવતી નથી. જેના કારણે સમાજમાં પ્રતિનિધિત્વ અંગે અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે.
ભરતભાઈ પોપટે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત વિધાનસભામાં રઘુવંશી લોહાણા સમાજમાંથી માત્ર એક જ ધારાસભ્ય પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે સમાજની વસ્તીના પ્રમાણમાં અત્યંત ઓછું છે. આ અસંતુલન દૂર કરવા માટે રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ઓછામાં ઓછી એક બેઠક પર રઘુવંશી લોહાણા સમાજના લાયક અને વફાદાર ઉમેદવારને તક આપવી જોઈએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો ભાજપ દ્વારા રાજ્યસભા માટે રઘુવંશી લોહાણા સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તો ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા લાખો લોહાણા સમાજના લોકોમાં પક્ષ પ્રત્યે વિશ્વાસ અને જોડાણ વધુ મજબૂત બનશે.
સમાજની આ માંગણી અને લાગણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.







