વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમય થી હરિપ્રસાદ સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં મોડી રાત્રે 11 વાગે સ્વામીજીનું અવસાન થયું છે
ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા. હરિપ્રસાદ સ્વામિના પાર્થિવદેહને આજે 11 વાગે સોખડા લઈ જવાશે અને શનિવાર સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર બાદ 1 ઓગસ્ટના રોજ અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે








