BSF ના ડાયરેક્ટર જનરલ અને IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ના IPS અધિકારી રાકેશ અસ્થાનાને BSFના ડીજી તરીકે બદલી કરી દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. રાકેશ અસ્થાનાને સેવાનિવૃત થવાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશનરની કમાન સોપવામાં આવી છે

IPS રાકેશ અસ્થાના ઝારખંડના વતની છે અને તેમણે પોતાનો અભ્યાસ નેતરહાટ વિદ્યાલયથી પૂર્ણ કર્યો છે. 1984ની બેચના IPS અધિકારી અસ્થાનાના પિતા હરે કૃષ્ણ અસ્થાના નેતરહાટ વિદ્યાલયમાં શિક્ષક હતા. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ અસ્થાનાએ રાંચીની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યુ હતું. IPS અધિકારી તરીકે પસંદગી થયા બાદ ગુજરાત કેડર મળી હતી.

રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. તેમણે અતિ મહત્વના અનેક કેસોની તપાસ કરી છે. જેમાં કેટલાક કેસો અતિ સંવેદનશીલ હતા. IPS અધિકારી તરીકે તેમણે ગોધરા કાંડ, સંયુક્ત બિહારમાં ચારા કૌભાંડ સંબંધિત મામલાની તપાસમાં પણ રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા રહી હતી, લાલુ પ્રસાદ યાદવની ધરપકડ જેવા કેસોમાં કામગીરી કરી છે. સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કનેક્શન કેસની તપાસ રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી હતી. સુરત કમિશનર તરીકે, રાકેશ અસ્થાનાએ કહેવાતા સંત આસારામ બાપુ કેસની પણ તપાસ કરી હતી. તાજેતરમાં, એસ.એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી બાલાજીને દિલ્હીના કાર્યકારી કમિશનર બનાવવામાં આવ્યા હતા.